


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હરિત ભારત સંકલ્પને સાર્થક કરતું અભિયાન ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત આજે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કહીપુર -લીલાપુર ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કહીપુર-લીલાપુર ખાતે 2 હેક્ટર વિસ્તારમાં મીયાવાકી ટેકનીક પર આધારિત વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાને તાજેતરમાં પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે. પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ, વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા ‘મિશન લાઈફ’ની પ્રેરણા આપી છે.
પ્રધાનમંત્રીના સંકલ્પને સાર્થક કરતા અભિયાનમાં આજે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા અને સાંસદ હરિ પટેલ સહિતના મહાનુભાવો કહીપુર-લીલાપુર વન કવચ ખાતે વૃક્ષારોપણ કરીને સહભાગી થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કહિપૂર-લીલાપુર ખાતે 2 હેક્ટર વિસ્તારમાં નિર્માણ કરવામાં આવેલા વન કવચમાં મિયાવાકી ટેકનીક આધારિત વિવિધ 100 જાતના 20,000 રોપાઓનું વાવેતર કરવામાં આવશે. કાર્યક્રમના અંતે વૃક્ષોનું જતન કરવા અને પર્યાવરણને બચાવવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.